નવી મિત્રતાનું પ્રભાત
ફેબ્રુઆરી ૨૦૧૪ની આ વાત છે. મને રેડ એલિફન્ટ ફાઉંડેશન તરફથી કીર્તિ જયકુમારની એક ઈ-મેઈલ મળી અને મારા આનંદનો પાર ન રહ્યો. તે ઈ-મેઈલમાં ૨૦૧૪-૧૫ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારા ‘બિલ્ડીંગ પિસ પ્રોજેક્ટ’ (શાંતિ સ્થાપના પ્રોજેક્ટ) માટે મારી પસંદગી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. નવા સંચાર માધ્યમોના ઉપયોગ દ્વારા આ બંને દેશોના લોકોને એકબીજા સાથે જોડવાના નવતર પ્રયોગની આ એક શરૂઆત હતી. મેં મારા પી.એચ.ડી. થિસિસ માટે જ્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચેના વિખવાદ અને તેમાં મીડિયાની ભૂમિકા અંગેના વિષય પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ હું સીમા પારના ઘણા લોકો સાથે સંપર્કમાં હતી અને મને ત્યારથી જ આ સીમા પારની મૈત્રીની હૂંફ અને ઉદારતાનો અનુભવ થવા લાગ્યો હતો. આમ છતાં, જે મને ખરા અર્થમાં પાકિસ્તાનનો પરિચય કરાવી શકે અને પાકિસ્તાન વિશે મેં ક્યારેય ન જાણ્યું હોય, તેવી માહિતી આપી શકે, તેવી કોઈ વ્યક્તિ સાથે સતત લાંબા સહવાસ અને સંપર્કની મને જરૂર વર્તાતી હતી. મારા રોજના શૈક્ષણિક કાર્યક્ષેત્ર અને બૌદ્ધિક દાયરામાંથી બહાર આવીને મારે કંઈક અલગ કરવું હતું અને શાંતિ અંગેના મારા વિચારો સાથે તાલમેળ ધરાવતા હોય, તેવા જ વિચારોવાળી કોઈ વ્યક્તિ સાથે દોસ્તીનો એક સુંદર અનુભવ લેવો હતો. કીર્તિએ જયારે મને જણાવ્યું કે શાંતિ સ્થાપવાના આ પ્રોજેક્ટમાં મારી પાર્ટનર સેહર નિસાર છે, ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ. આ પ્રોજેક્ટ અંતર્ગત અમારે બંનેએ શાંતિ સ્થાપન માટેના કામમાં પ્રવૃત્ત રહેવાનું હતું.
સેહર એ લાહોર યુનીવર્સીટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિઝ (LUMS)ની વિદ્યાર્થિની છે. આ પ્રોજેક્ટની શરૂઆતથી જ તેણે મારા હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવી લીધું છે. તેની સાથે ઓળખાણ થયા બાદ મારો એક પણ દિવસ એવો નથી ગયો, જે દિવસે મેં તેને ભાવથી યાદ ન કરી હોય. આજ દિન સુધી અમે રૂબરૂ એકબીજાને ક્યારેય મળ્યાં નથી, તેમ છતાં, આ પ્રોજેક્ટના લીધે અમારા સતતના સંપર્ક, ફેસબુક પરની વાતચીત અને સ્કાઈપ પરના વિડીયો ચેટિંગ સેશન્સના કારણે સેહર મારી જિંદગીનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે અને અમને બંનેને વિશ્વાસ છે કે અમારી આ મિત્રતા જીવનભર ટકશે. એકબીજાના શત્રુ તરીકે ઓળખાતા દેશોની બે વ્યક્તિ જાણે શાંતિના બીજ રોપવા નીકળી હોય, તે પ્રકારે અમારી વચ્ચે વાતચીતની શરૂઆત થઈ હતી. જે દિવસે અમે અમારા પ્રોજેક્ટ માટે એકબીજા સાથે ઔપચારિક વાતચીત શરૂ કરી, તે દિવસે જ સેહરે મને જણાવી દીધું હતું કે તે મને ‘આપા’(બહેન) કહીને સંબોધશે. હું હોંશે હોંશે તેની આ વાત સાથે સંમત થઈ ગઈ, કારણકે આજ દિન સુધી મને ‘દીદી’, ‘તાઈ’ કે ‘બહેન’ (હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ‘બહેન’ કહેવા માટે વપરાતા શબ્દો) કહેનારાં તો ઘણાં મળ્યાં હતાં, પણ ‘આપા’ (ઉર્દૂ ભાષામાં) કહેનારું કોઈ નહોતું. અલગઅલગ ભાષામાં ‘બહેન’ તરીકે સૌ મને જે પ્રેમથી બોલાવતાં, તે જોતાં આ ‘આપા’ શબ્દ પણ જાણે મારા માટે ખાસ બનાવવામાં આવ્યો હોય, તેમ મને લાગ્યું. બસ, તે દિવસથી હું સેહર માટે તેની ‘નિધિ આપા’ બની ગઈ છું.
‘સેહર’નો અર્થ થાય છે પ્રભાત. આમ જુઓ, તો આ સેહરે મને જીવનમાં દોસ્તી અને હૂંફાળા સંબંધોનો નવો અર્થ સમજાવ્યો છે. બંને દેશોના વિવાદાસ્પદ સંબંધો અંગે અને તેમની વચ્ચે શાંતિ સ્થપાય, તેવી શક્યતાઓ અંગે અમે વાતો કરવા બેસીએ, ત્યારે તેનો કદી અંત આવતો નથી. આ બે દેશ વચ્ચેની દુશ્મનાવટ અને વિવાદના આ વાતાવરણમાં અમે બંને કઈ રીતે શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવામાં કંઈક યોગદાન આપી શકીએ, તેના વિવિધ ઉપાયો વિશે ક્યારેક અમે ચર્ચા કરી છે. વળી, ક્યારેક અમારી પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ વિશે પણ એકબીજાને જણાવ્યું છે. ભલે કોઈ તેને વર્ચ્યુઅલ કે આભાસી કહે, પણ એ હકીકત છે કે આજે અમે ઈન્ટરનેટ દ્વારા એકબીજાની જિંદગીનો હિસ્સો બની ચૂક્યાં છીએ. તેનું પરિણામ એ આવ્યું છે કે આજે અમને બંનેને એ વાત સમજાઈ ગઈ છે કે સાચી દોસ્તીમાં કંઈ બે દેશ વચ્ચેની સીમા નડતરરૂપ બનતી નથી. ક્યારેક ટેકનોલોજીકલ તકલીફના કારણે તો ક્યારેક સમયના અભાવ કે અન્ય જવાબદારીઓના કારણે અમારા સંવાદમાં અડચણો પણ આવતી રહી છે. આમ છતાં, ભારત અને પાકિસ્તાન બંનેને સ્પર્શતા હોય, તેવા દરેક મુદ્દાઓ પર અમે અમારા વિચારો એકબીજાને જણાવવાનું ક્યારેય ચૂકતાં નથી. બંને દેશ વચ્ચેના વિવાદ અને શાંતિને સ્પર્શતા અમારા વિચારોની આ આપ-લે હવે તો એક અર્થપૂર્ણ વાર્તાલાપમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને શાંતિમય વાતાવરણ વિકસાવવાના પ્રયાસોના આ સમયગાળા દરમિયાન અમે જે બ્લોગ (www.nidhiandsehr.blogspot.com) લખતાં રહ્યાં, તે બ્લોગમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનીને સચવાઈ ગઈ છે. અમે બંને એ વાતનો ખાસ ખ્યાલ રાખીએ છીએ કે અમે બંને દેશો સાથે સંકળાયેલા દરેક સળગતા મુદ્દા પર એકબીજાનો દ્રષ્ટિકોણ જાણતાં રહીએ અને જેની પર સામસામી ચર્ચાઓ કરી શકાય, તેવા મુદ્દાઓ પર તો ખાસ વાદ-સંવાદ સાધીએ, જેથી અમે ખરેખર શાંતિભર્યું વાતાવરણ ઊભું કરવાની દિશામાં એક કદમ આગળ વધી શકીએ.
ઘણી વાર એવું પણ બન્યું છે કે મારી આ દોસ્ત સાથેની મારી આ વર્ચ્યુઅલ દોસ્તીને ઈન્ટરનેટના માધ્યમમાંથી બહાર કાઢીને ઓફ લાઈન દોસ્તી સુધી આગળ વધારવાની મને તાતી જરૂર વર્તાઈ હોય. હું તીવ્રપણે ઈચ્છું છું કે ભવિષ્યમાં હું તેમ કરી શકું. ઘરમાં કોઈ તહેવાર ઉજવાતો હોય, ‘ઝી ઝિંદગી’ નામની ચેનલ પર પાકિસ્તાની નાટક રજૂ થતું હોય, ત્યારે અને ખાસ તો મેં ‘ફિલ્મીસ્તાન’ ફિલ્મ જોઈ, ત્યારે તો મને સતત એવી લાગણી થતી રહી છે કે કાશ, હું અને સેહર આ બધા સમયે સાથે હોત, તો અમારી દોસ્તીને ખરા અર્થમાં માણી શકત અને દુનિયાની સમક્ષ એક દાખલો બેસાડત કે કઈ રીતે અલગઅલગ દેશની બે વ્યક્તિઓ તેમના દેશની સીમારેખાઓને બાજુ પર રાખીને ખરી દોસ્તી નિભાવી શકે છે. અમારી આ દોસ્તી હવે એટલી ગાઢ બની ગઈ છે કે હું જે પણ કરું, -કંઈક લખું, કંઈક નવું અનુભવું, કોઈ નવી ફિલ્મ જોઉં કે ક્યાંક ડિનર લેવા જતી હોઉં,- પહેલાં તો હું દોડીને સેહરને આ બધું જણાવવા માટે વોઈસ નોટ મોકલવા બેસી જાઉં છું. તેની પાછળનું કારણ એ છે કે તે મારા જીવનમાં કેટલી મહત્વની વ્યક્તિ બની ગઈ છે, તે તેને જણાવવા હું ખૂબ આતુર રહું છું!
ભારત અને પાકિસ્તાન વિશે એકબીજા સાથે વાતો કરતાં અમને બંનેને એક વાત સમજાઈ ગઈ છે કે મિત્રતાભર્યા સંબંધો કેળવવા માટે એ જરૂરી નથી કે અમે બંને સાવ સરખી જ વિચારસરણી ધરાવતાં હોઈએ. જરૂર તો માત્ર એ જ છે કે અમે એકબીજાની વાતને ધ્યાનપૂર્વક સાંભળીએ. આ એક સિધ્ધાંતના પાયા પર જ અમે અમારી વાતચીત કરતાં રહ્યાં છીએ. સેહર મને પાકિસ્તાન વિશે, ત્યાંના અઢળક કુદરતી સૌંદર્ય વિશે, તેનાં કુટુંબ, યુનીવર્સીટી અને તેની ભવિષ્ય અંગેની યોજનાઓ વિશે જે પણ જણાવવા ઇચ્છે, તે સાંભળવામાં હું ખાસ રસ લઉં છું. તેના હાથનાં હુન્નર અને કળા મને ખૂબ પસંદ આવ્યાં છે અને હું હંમેશાં તેનાં વખાણ કરતી રહું છું. આટલી નાની ઉંમરે તે જે પરિપક્વતા બતાવે છે અને મારા અને તેના વિચારો તદ્દન વિરુદ્ધ હોય, ત્યારે પણ મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળવાની જે ધીરજ બતાવે છે, તે પણ મને ખૂબ પ્રશંસનીય બાબત લાગે છે.
વળી, ભારત વિશે વધુને વધુ માહિતી મેળવવાની તેની જિજ્ઞાસાથી મને ક્યારેક આશ્ચર્ય થાય છે, પણ તેની આ જિજ્ઞાસાના કારણે હું પણ મારા દેશને વધુ સારી રીતે ઓળખવા લાગી છું. શિક્ષણ, રાજકારણ, લોકશાહી અને ધર્મ વિશે એકબીજાના વિચારો જાણ્યા બાદ આ મને બધા જટિલ મુદ્દાઓ અંગેના મારા વિચારો પર ફેરવિચારણા કરવાની આવશ્યકતા જણાય છે. હું જાણું છું કે હું તો મારું હૈયું ઉલેચીને મારા બધા જ વિચારો તેને કહી શકીશ અને તે મારી વાત સાથે સંમત નહીં હોય, તો પણ મારી વાત સાંભળવા સામે તે કોઈ વાંધો-વિરોધ નહીં ઉઠાવે. તે મને ધીરજપૂર્વક સાંભળશે જ અને પાકિસ્તાન વિશે હું તેને સતત સવાલો કરતી રહું, તો તે બધા સવાલોના જવાબ આપતી રહેશે.
હું અગાઉ પાકિસ્તાન વિશે ખાસ જાણકારી ધરાવતી નહોતી, પણ સેહરે મને પાકિસ્તાનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર પરિચય આપ્યો છે. હવે ક્યારેક મને તેના વતન લારકના જવાની ઇચ્છા થાય છે અને ક્યારેક હું જ્યાં રહું છું, તે વડોદરા શહેરમાં તેને બોલાવવાની ઇચ્છા થાય છે. હું એવું પણ ઝંખું છું કે હું તેની સાથે અહીં કોઈક ફિલ્મ જોવા જાઉં અથવા તો તેને ગુજરાતી વાનગીઓની મજા ચખાડું. બસ, ત્યારે અમારી વચ્ચે બે દુશ્મન દેશોની દુશ્મનીનો કોઈ બોજ નહીં હોય. અમને બંનેને એકબીજાની નજીક લાવનાર તો આ શાંતિ સ્થાપનાનો પ્રોજેક્ટ જ છે અને આ પ્રોજેક્ટ પ્રત્યેની અમારી સમર્પિતતા પર જ આવનારા દિવસોમાં અમારી દોસ્તી કયા માર્ગે આગળ જશે, તેનો આધાર રહેલો છે. સેહર મને હંમેશાં કહે છે કે તને જે ગમે, તે મને પણ ગમે. બંને દેશો શાંતિની મંઝિલ સુધી પહોંચે, તે માટે અમે જે યાત્રા આદરી છે, તેમાં અમારી દોસ્તીનું રોજ એક નવું પ્રકરણ ઉમેરાતું રહે છે અને હું માનું છું કે જીવનપર્યંત ટકે, તેવી મજબૂત દોસ્તીની આ તો માત્ર શરૂઆત છે.
લેખક વિશે બે શબ્દો: નિધિ શેન્દૂર્નીકર-તેરે ભારતની વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીના પોલિટીકલ સાયન્સ ડીપાર્ટમેન્ટ પી.એચ.ડી. કરી રહેલાં વિદ્યાર્થિની છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં અંગ્રેજી પ્રેસ અને નવાં સંચાર માધ્યમોની ભૂમિકા - તે તેમના સંશોધન અંગેનો વિષય છે.
About the Translator:
Mrs. Khyati Keyur Kharod is an experienced translator and has worked with various faculties of M S University, India and Wisconsin University, US. Her inclination towards languages made her choose translation as her profession. She has also been working with R R Sheth Publishers for the last three years. Moreover, she is also a part of the think tank called Spark Academy, in Surat, which works for the multifaceted development of children.
No comments:
Post a Comment